વલસાડ જિલ્લામાં પીએમ સેતુ યોજના અંતર્ગત 240 કરોડના ખર્ચે પાંચ આઈટીઆઈ અપગ્રેડ કરાશે
વાપી : વલસાડ (valsad) જિલ્લામાં આગામી પાંચ વર્ષમાં રૂ. 240 કરોડના ખર્ચે પાંચ આઈટીઆઈ (ITI) અપગ્રેડ કરાશે. જેમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કોર્સીસ ડિઝાઈન કરાશે અને તે મુજબની ફેકલ્ટી પણ મુકવામાં આવશે....
વાપી : વલસાડ (valsad) જિલ્લામાં આગામી પાંચ વર્ષમાં રૂ. 240 કરોડના ખર્ચે પાંચ આઈટીઆઈ (ITI) અપગ્રેડ કરાશે. જેમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કોર્સીસ ડિઝાઈન કરાશે અને તે મુજબની ફેકલ્ટી પણ મુકવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષથી તેનો અમલ શરૂ કરાશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમથી શરૂ કરાયેલી પીએમ સેતુ (PM SETU) યોજના અન્વયે વલસાડ જિલ્લામાં રૂ. 240 કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં પાંચ આઈટીઆઈ અપગ્રેડ કરાશે. પીએમ સેતુ યોજના અંગે રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી રૂ. 120 કરોડ, રાજ્ય સરકાર તરફથી રૂ. 80 કરોડ અને બાકીના રૂ. 40 કરોડ ઉદ્યોગો દ્વારા ફાળવવામાં આવશે.
જેમાં પારડી આઈટીઆઈને મુખ્ય હબ અને બાકીની ચાર આઈટીઆઈને સ્પોક તરીકે વિકસાવીને આધુનિક સંસાધનોનું આદાનપ્રદાન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે વલસાડના કલેકટર નીતિન સાંગવાન આ વિભાગમાં ફરજ બજાવી ચુક્યા હોવાથી જિલ્લા માટે ઉદ્યોગોની જરૂરિયાત મુજબના કોર્સીસ શરૂ કરાશે, જેથી અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને તુરંત નોકરી મળી જાય.
જયારે કલેકટર નીતિન સાંગવાને જણાવ્યું હતું કે આઈટીઆઈના હાલના કોર્સીસ અપગ્રેડ કરવાની સાથે ઉદ્યોગો જ નવા કોર્સીસની ડિઝાઈન અને ફેકલ્ટી અપગ્રેડ કરશે અને તેને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા મંજૂરી મળતાં તુરંત તે કોર્સ શરૂ કરી દેવાશે. રાજ્યમાં વલસાડ જિલ્લો પીએમ સેતુ યોજનામાં બીજું ક્લસ્ટર છે જ્યાં એઆઈ, સેમી કન્ડકટર, રોબોટિક્સ, ઓટોમોબાઈલ્સ સહિતના ડિમાન્ડમાં તેવા કોર્સીસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. સંચાલક મંડળમાં સરકારના પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગપતિઓની પણ હાજરી હોવાથી ટૂંકા અને લાંબા ગાળાના કોર્સીસ શરૂ કરાશે.


