ગુજરાતમાં CBG પ્લાન્ટ માટે સરકાર, સુઝુકી અને JICA વચ્ચે ટૂંક સમયમાં MoU
ગાંધીનગર: ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને સ્વચ્છ ઊર્જાના (clean energy) ઉત્પાદનને વેગ આપવા માટે રાજ્ય સરકાર, સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વચ્ચે...
ગાંધીનગર: ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને સ્વચ્છ ઊર્જાના (clean energy) ઉત્પાદનને વેગ આપવા માટે રાજ્ય સરકાર, સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી કરાર (MoU) થવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.
ગાંધીનગરમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાતમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનું નેટવર્ક વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન સુઝુકી અને JICA દ્વારા બાયોગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા માટે નાણાકીય અને ટેકનિકલ સહયોગ અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. બાયોગેસની સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી.
સરકાર અને જાપાનના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સકારાત્મક ચર્ચા બાદ આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે વિધિવત્ MoU કરવાની દિશામાં પ્રગતિ થઈ હોવાનું જણાવાયું છે.
આ પહેલથી સહકારી ડેરીઓને સ્વચ્છ ઊર્જા ઉત્પાદન સાથે જોડવાની સાથે પશુધન આધારિત કચરાનો ઉપયોગ કરીને સજીવ ખાતરનું ઉત્પાદન વધારવાનો માર્ગ ખુલશે. સરકારનો દાવો છે કે આ આયોજન ગુજરાતના હરિત અને ટકાઉ વિકાસને વેગ આપવાની સાથે આત્મનિર્ભર ઊર્જા વ્યવસ્થાને પણ મજબૂત કરી શકે છે.
બેઠકમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર કેનિચિરો ટોયોફુકુ અને JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ ટાકુરો તાકેઉચી સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત બનાસ ડેરી અને NDDBના અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

